मेरी माँ

मेरी माँ

Advertisements

મારું ઘર

‘ઘર’ – કાના-માત્રા વિનાનો આ બેઅક્ષરી શબ્દ. પણ આ કેવળ શબ્દ નથી. આખું જીવન એની સાથે સંકળાયેલું છે. પક્ષીને પણ પોતાનો માળો હોય છે અને પ્રાણીને પણ પોતાની ગુફા હોય છે. ઘરેથી નીકળીને પછી માણસ જ્યાં સુધી ઘરે પહોંચતો નથી અને પોતાની પથારી પર સુતો નથી, ત્યાં સુધી તેને જંપ થતો નથી, શાતા મળતી નથી. ઘર આગળ ફાઈવસ્ટાર હોટલ પણ ફિક્કી લાગે. અગવડ હોય તો પણ પોતાનું ઘર એ માત્ર પોતાનું છે, એની વાત જ અનોખી છે. ઘર જેવી કોઈ જગ્યા નથી. ઘર એટલે માત્ર સલામતીનું છાપરું જ નહિ, પણ ઘર એટલે હુંક. ઘર એટલે પિતાની આમન્યા અને મર્યાદાનો મળી અને ઘર એટલે માતાની મમતાનો માયાળો છાયો. માણસ ગમે તેટલો ગરીબ હોય પણ પોતાના ઘરમાં તે રાજા છે. એક ચિંતક લખે છે, ‘પુરુષ માટે જે ઘર છે, સ્ત્રી માટે તે કિલ્લો છે.’ ઘરની મજા એ છે કે તમે તમારી રીતે વર્તી શકો છો. તમે જે છો ને જેવા છો એવા પ્રગટ થઇ શકો છો.

જેમની ચેતનાનો વિસ્તાર થયો છે, એમની ઘરની કલ્પના ઘણી વ્યાપક હોય છે. વિશ્વ જેનું કુટુંબ છે એ તો જ્યાં જાય ત્યાં ઘરનો અનુભવ કરી શકે છે. ઘર એ કોઈ સ્થૂળ સ્થળ નથી, પ્રત્યેક મનુષ્યનું હૃદય એ એમનું ઘર હોય છે. હિન્દી કવિ ગંગાપ્રસાદ વિમલ ખે છે, ‘ ઘર નક્કી મારામાં રહે છે અને હું ઘરમાં, અને એ મને બાંધે છે પોતાના પાશમાં.’ 

પ્રકૃતિ એ દીવાલ વગરનું ઘર છે. રાજા હોય કે રંક સૌથી નસીબદાર એ માણસ છે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય. ઘર ફક્ત સુંદર રાચરચીલાથી નથી બનતું. ઘર બંને છે ઘરના માણસોથી, પ્રેમથી અને સંસ્કારથી અને સંયમતાથી . પણ અહી વિચાર એ આવે છે કે ઘરમાં માણસો ના હોય તો ઘરને લાગણી થી બાંધી કેવી રીતે રાખવું ? એકલતાથી સળવળતું  ઘર ખાવા દોડે છે. જે ખાલી હોય તે ઘર નથી પણ ખંડેર છે, જેમાં જરૂર છે કોઈના વહાલની, કોઈના ગુસ્સાની, કોઈની સલાહની, કોઈની મીઠી નજરની, વાસણના ખખડાટની અને ભોજનની મીઠી સુવાસની. એને જ તો ઘર કહેવાયને !!!!

 

 

 

ધર્મ અને આપણે

આથમતા સુરજને જઈને પૂછો કે

આજે કોની આંખોમાં જઈને ડૂબશે?

મોતની ટપાલ પર કોનું સરનામું હશે

કોણ કોને હાથોહાથ દેશે ?

બંધારણ પ્રમાણે ભારત એટલે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર. સંભાળીને આપણી છાતી ગજ ગજ ફૂલે, પણ વાસ્તવિકતાનો સામનો થતા આ મોટા મોટા શબ્દો ખોખલા લાગે. ચાલો, વિચારીએ કે બંધારણ ની આ કલમો આપણી પ્રજાના મન સુધી ઉતારી છે ખરી ? ધર્મ અને રાજ્યનો સંબંધ તો વૈદિક કાળથી ચાલતો આવ્યો છે. ધર્મ એટલે જે ધારણ કરે તે. ધર્મ ધારણ કરે છે સત્યને, અહિંસાને અને માનવતાને.

જલન માતરી સાહેબ કહે છે – ‘શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર ?’

પણ વિષય જ્યારે શ્રધ્ધા વટાવીને અંધશ્રધ્ધા અને પછી ધર્માન્ધતા સુધી પહોચે ત્યારે તો પુરાવાની જરૂર ખરી ને ? સળગતો આ પ્રશ્ન આજનો નથી, અત્યારનો નથી પણ વીતેલા એવા ઘણા વર્ષોનો છે જે આપણા ભવ્ય ઇતિહાસના સોનેરી પાના પર કલંક બનીને સતત ઉઠતો રહે છે. ધર્મ એટલે નિસ્વાર્થ ત્યાગભાવના અને સત્યનું અનુસરણ. ભારતના બંધારણમાં સર્વાધારમાં સમભાવની અને સન્માનની ઉચ્ચ ભાવના કલમ્રુપેવ અંકિત થઇ છે. પણ કાયદાની કેડીએ કંડારાયેલી આ વાત કડછ માનવમનની કેડી પરથી ભૂંસાઈ ગઈ છે. નોવાખલીના હિંદુ-મુસલમાન રમખાણો હોય કે બાબરી મસ્જીદનો ધ્વંસ, મુંબઈના કોમી તોફાનો કે ગોધરા કંદ કે પછી થોડા સમય પહેલા જ આસામમાં થયેલી કોમી હિંસા. માણસની પશુતાના ઉદાહરણો તો અપના દેશમાં ઘણા છે. માફ કરજો ‘પશુતા’ શબ્દ વાપરવો એ તો પશુઓનું અપમાન છે. આજે છાપામાં શીખોના રમખાણોનો ઈતિહાસ વાંચતા આ વાત તાજી થઇ. નજર સામે ઘરની સામે આવેલી મસ્જીદમાં કબર ઓઢાડેલી પવિત્ર ચાદરના લીરેલીરા થતા જોયા છે કે ઘરની સામે આવેલી ચપલની દુકાનના ભૂકા  થતા જોયા છે. પણ હજુ સુધી સમજી શકી નથી કે શું ખરેખર આનાથી કોઈ રામ કે કોઈ રહેમાન પ્રસન્ન થયા હશે ?

ક્યાં ધર્મમાં કે કયા ધર્મગ્રંથમાં એવું લખેલું છે કે માણસને કાપીને, સળગાવીને પોતાના ધર્મનો કક્કો ખરો કરવો? ‘બિનસાંપ્રદાયિક’ કહેવાતા દેશમાં જ ધર્મના નામે ભાગલા છે. ધર્મ એ આપના હાથની ટેકણ લાકડી છે એને આપણે શસ્ત્ર બનાવી દીધી છે.  ભૂત-વર્તામાની ગોઝારી ઘટનાઓ, કાળજું કંપાવનારા હત્યાકાંડો, ચિત્કારો કરીને ફાટી ગયેલા અવાજો ગુનેગારોને શોધે છે. પણ, એક ક્ષણ થંભીને જુઓ, વિચારો શું આ ગુનેગાર મારા કે તમારામાં, કોઈ હિંદુ કે મુસલમાનમાં કે કોઈ શીખ કે ઇસાઈમાં તો છુપાઈને નથી બેઠો ને ? સમાનતાના નામે આપણે હજુ બહુમતી-લઘુમતી કોમના વાડામાં ઉભા છીએ.

‘ધર્મના નામે પીખાતા આ દેશને જોઈને ,

ધર્મના નામે કપાતા આ લોકોને જોઇને,

ધર્મને રમકડું સમજતા ધર્મ ધુરંધરોને જોઇને,

બીજા ગાંધીની રાહ જોઉં છું માટે જ હું જીવું છું.’

બસ, આમ જ આપણે , એક અધૂરા માણસે ધર્મના પોશાકો પહેરીને કોઈ અવતારની રાહ જ જોયા કરવાની કે ક્યારે કોઈ અવતાર લે અને અમારો ઉધ્ધાર કરે. તમે જ વિચારો શું આ જ છે આપણી યુવાની ???

દરિયા કિનારે એક સાંજ

View from the Massanutten Lodge Area of Skyland

View from the Massanutten Lodge Area of Skyland (Photo credit: dherman1145)

ઓ દરિયાફકીર !

આ રે કાંઠે ગાતો, જાતો ગાવા પેલે તીર ….

‘દરિયો’ એટલે વિશાળતા અને ભવ્યતાનું પ્રતિક. કવિ અહી દરિયાને ફકીરની ઉપમા આપે છે. ફકીર એક જગ્યાએથી બીજી જગ્યાએ  જઈને પ્રેમનો સંદેશો ફેલાવે છે. એ જ રીતે દરિયો પણ એક કિનારેથી બીજા કિનારે સંદેશો લઈને જાય છે. ફકીરના હૃદયમાં તમામ જીવ માટે સ્થાન છે તેમ દરિયો પણ પોતાના પેટાળમાં કઈ કેટલાય જીવોને સ્થાન આપે છે, રક્ષણ આપે છે.

આવા વિશાળ, અખૂટ અને અમાપ દરિયાના કિનારે એક  સાંજ ગાળવી એટલે કુદરતને નજીકથી જાણવી. ‘સાંજ’ સેવો સમય છે જે નથી સંપૂર્ણ દિવસ કે નથી સંપૂર્ણ રાત. અજવાશ અને  અંધાર વચ્ચેનો સમય. જીવનમાં જેમ સંપૂર્ણ સુખ ના હોય અને સંપૂર્ણ દુ:ખ ના હોય તેવો સમય તે સાંજ.

આ સાંજના સમયે દરિયો જોવાનો લહાવો અનેરો છે. આખો દિવસ તપેલો સૂર્ય સાંજે આરામથી દરિયાના ખોળામાં ધીરેધીરે સમાતો જાય  છે ને આકાશ એક અનેરો જ કેસરિયો રંગ ધારણ કરે છે. ત્યારે વિચાર આવે – ” હળવે હળવે લાગ્યો ઢળવા, ચાલ્યો કોને સુરજ મળવા.” 

દરિયાકિનારાની આ સાંજે એના તટે બેસી એના ઉછળતા મોજા જોવાની કેવી મજા ! આ મોજા  જ તો આપના જીવનમાં આવનારી ચડતી અને પડતીના પ્રતીકસમા છે. અને એ જ શીખવાડે છે – ” ઊંચી નીચી ફર્યા કરે આ જીવાનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાળ.” 

બસ, આપણે રાહ જોવાની છે આ ઓટ પછીના જુવાળની. પરિવર્તન એ સંસારનો નિયમ છે. કુદરતના જેમ બીજા નિયમોને આપણે સ્વીકારીએ છીએ તેમ જ આ પરિવર્તનના નિયમને પણ સહજતાથી સ્વીકારી લેવો જોઈએ કેમકે કવિની સૃષ્ટિ ‘નિયતિ કૃત નિયમ રહિત’ હોય છે. બાકી, ‘નિયતિ’ને તાબે થયા વગર ક્યાં રહી શકાય છે ?

La Palma view

La Palma view (Photo credit: palestrina55)

નાની છતાં વિચારવાની વાર્તા

એક નાની વાર્તા હું કાયમ મારા વિદ્યાર્થીઓને કહેતી હોઉં છું તે આજે આ બ્લોગની શરૂઆત કરવા માટે મને સૌથી વધુ યોગ્ય લાગી છે.

” એક વખત અકબર બાદશાહે જાહેર કર્યું કે, આવતીકાલે આપના નગરનો હોજ દૂધ થી દરેક નાગરિકે ભરી દેવાનો છે. બધાએ ઢંઢેરો સાંભળ્યો પણ ખરો. બીજે દિવસે અકબર બાદશાહ જોવા નીકળ્યો કે હોજ કેટલો ભરાયેલો છે દુધથી. પણ આ શું? હોજ તો આખો પાણીથી ભરાયેલો હતો. વિચાર કરો કેમ ? કેમકે દરેકે વિચાર્યું કે, બીજો તો દૂધ  નાખવાનો જ છે ને હું પાણી નાખી દઈશ તો શું ફરક પડશે? કોને ખબર પડશે? ”

મિત્રો, પાણી કોને નાખ્યું એની કદાચ કોઈને ખબર નહિ પડે પણ પાણી નાખવાથી ફરક ચોક્કસ પડશે. આપણી આ જ વિચારસરણી ભારતને મહાસત્તાની હોડમાં પાછળ પાડે છે. ક્ષણિક આવેશમાં આવીને ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરીના આપણને દેશદાઝ ચોક્કસ આવે છે. પણ એ ક્ષણિક જ . ૧૬ ઓગસ્ટથી આપણે એ જ પાછા ગાડરિયા પ્રવાહમાં. એક નાનું ઉદાહરણ આપું. આપણે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘણી. રોજ આપણે બધા બુમો પડીએ. ટ્રાફિક પોલીસને પણ અને તંત્રને પણ ગાળો આપી દઈએ. તેમ છતાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી વખતે આપણે બધું ભૂલી જઈએ. સિગ્નલ પર લાંબી લાઈન હોય તો ફૂટપાથ પર આપણું સાધન ચડાવી દઈએ, વળી હમેશા આપણે તો મોખરે જ રહેવાનું હોય એટલે સિગ્નલ બંધ હોય ત્યારે ડાબી બાજુ વળાંક લેવાના રસ્તેથી પણ આગળ નીકળીને છેક આગળ ઉભા રહીએ. અને વળી રેલવે ફાટક પાસે જોયું છે? સામેથી વાહન આવવાના છે એ ખબર છે તો પણ આપણે પોતાની બાજુ જામ થઇ ગઈ હોય એટલે ખોટી દિશામાં પણ મોખરે જ જઈને ઉભા રહીએ. મજા તો આવે નહિ? આગળ ઉભા રહેવવાની કેવી મજા? અને હોર્નનું સંગીત આપણને કેટલું પ્રિય હોય છે !!!! સિગ્નલ બંધ હોય, ત્યાજ ઉભા રહેવાનું હોય, આગળ જવાની જગ્યા ના હોય પણ હોર્ન તો આગળવાળાને મારવાનો જ. આ બધું ઓછું હોય તેમ લાઈસન્સ માટે પોલીસ રોકે એટલે દંડ ભરવાના ગલ્લા-તલ્લા કરવાના. ક્યાંકથી ઘણી ઘણી ઓળખાણ યાદ પણ આવે આપણને.

ટ્રાફિકની સમસ્યા તો એક ઉદાહરણ છે. પણ આપણે દરેક સમસ્યામાં તંત્રને દોષ આપવાની આદત પડી ગઈ છે. પણ એ ભૂલી જઈએ છીએ કે હોજમાં આપણે પણ પાણી જ નાખ્યું છે તો તેમાંથી દૂધ ક્યાંથી બહાર આવે ?

સવાલ નાનો છે પણ વિચારજો તો કે આપણે ખરેખર દેશપ્રેમી છીએ કે દેશદ્રોહી?